કુકમા સરપંચ ચુંટણીનો મનદુઃખ રાખી કરેલ મનસ્વી ઠરાવો દ્વારા ગ્રામજનો પરેશાન
કુકમા : કુકમા ગ્રામ પંચાયતના સરપંચ ફરી એક વાર વિવાદમાં સપડાયા છે. કુકમાના સામાજિક આગેવાન અબ્દુલ સતાર મીંયાજીએ જીલ્લા વિકાસ અધિકારીને સંબોધીને કરેલ ફરિયાદમાં જણાવેલ છે કે કુકમા ગામમાં નિયત પ્રક્રિયા દ્વારા આકારણીની નોંધણી થયેલ છે તેમજ આ મિલકતોને મિલ્કત નં. આપીને મકાન વેરા અને ટેક્ષ પણ પંચાયત દ્વારા વસુલાયો છે. હાલમાં સરપંચ દ્વારા અને તેમના પતિના કહેવાથી મનસ્વી ઠરાવ કરી કુલ્લ 76 જણાના મકાન આકારણી રજીસ્ટરમાંથી બાદબાકીની કાર્યવાહી કરવા જણાવેલ છે. કુકમાના સરપંચ દ્વારા આ ઠરાવના ઝડપી અમલ માટે તલાટી પર દબાણ કરવામા આવી રહ્યો છે. આમ કાયદેસર આકારણીમાં ચડાવેલ મિલ્કતો રદ કરવાનો મનસ્વી ઠરાવ કરી મકાન માલિકોને અંગત દ્વેષ રાખી પરેશાન કરાઇ રહ્યા છે. માટે આ ઠરાવ રદ કરવાની માંગ અબ્દુલ સતાર મીંયાજીએ ફરિયાદમા કરી છે.
પંચાયતના સદસ્યની પણ ભેદભાવ થતો હોવાની ફરિયાદ
અન્ય એક ફરિયાદમાં ગ્રામ પંચાયતના સદસ્ય સુલેમાન કકલ દ્વારા પણ જીલ્લા વિકાસ અધિકારીને ફરિયાદ કરેલ છે. તેમા જણાવ્યુ છે કે તેમના વિસ્તારમાં મંજુર થયેલ કામો લાઇટ કામ, સીસી રોડ, કબ્રસ્તાનની બાઉન્ડ્રી ગટર વગેરે કામોના ઠરાવ થઈ ગયા છે છતા સરપંચ દ્વારા આ કામો કરવામાં આવતા નથી. તેમજ ચુંટણી સમયનું મનદુઃખ રાખી ઇરાદા પૂર્વક અમારા વિસ્તારને વિકાસથી વંચિત રાખવામાં આવે છે. સરપંચ સામે થઈ રહેલ ગંભીર આક્ષેપો સામે તંત્ર કાર્યવાહી કરે તેવી માંગ કુકમાના ગ્રામજનો કરી રહ્યા છે.