મીડિયા ડિબેટમાં ગુજરાતી મિશ્રિત હિન્દી બોલતા નેતાઓની મજાક..!
ભુજ : આગામી ગુજરાત વિધાનસભાની ચુંટણી પર સમગ્ર દેશના રાજકીય પક્ષોની મીટ મંડાઈ છે. રાજકીય આલમમાં થતા આક્ષેપો અને સોશ્યલ મિડીયા પર કરાતી કેટલીક કોમેન્ટો પળભરમાં વાયરલ થઈને દેશના અન્ય રાજ્યોની પ્રજાનું પણ ધ્યાન ખેંચાતા અસંખ્ય હિન્દી ચેનલો લોકોનો મિજાજ જાણવા મેદાને ઉતરી છે. ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથ સહિત અન્ય રાજ્યોના નેતાઓને પ્રચારમાં ઉતારતા કચ્છ સહિત ગુજરાત ભાજપના નેતાઓને હિન્દી ભાષી નેતાઓ સાથે રોજીંદો વ્યવહાર બન્યો છે. રાષ્ટ્રીય કક્ષાએ આગામી વિધાનસભા ચુંટણી મહત્વની બની રહેવાની હોવાથી ઇલેકટ્રોનીક મીડિયા પણ ગુજરાતની પ્રજાનો મિજાજ જાણવા રસ લઈ રહ્યુ છે. ઇલેકટ્રોનીક મીડિયા પર તીખા સવાલોના જવાબ આપવા હિન્દી ભાષા પર પકડ હોવી જરૂરી છે. પરંતુ કાયમ ગુજરાતી ભાષાના ઉપયોગ પર સિમિત રહેતા અને હિન્દી પુસ્તકોનું વાંચન નહીં કરનાર નેતાઓ હિન્દી બોલવામાં ગેંગેં ફેફે કરી રહ્યા છે.
અંતરિયાળ ગામડા ખુંદીને રિપોર્ટિંગ કરતી હિન્દી ચેનલોની ટીમોને રાજકીય પક્ષોના કાર્યકરો હિન્દી ભાષામાં જવાબ આપવા સક્ષમ નથી હોતા પરંતુ જીલ્લા પંચાયતથી લઈને ધારાસભ્યો અને સાંસદોને પણ કડકડાટ હિન્દી બોલવામાં વાંધા પડી રહ્યા છે. આ પરિસ્થિતિને સમજીને કચ્છ ભાજપે તો મીડિયા ડિબેટ માટે ચોકકસ નામો પણ નકકી કરી રાખ્યા છે. તાજેતરમાં ભાજપના રાષ્ટ્રીય નેતાઓની હાજરીમાં યોજાયેલી ગૌરવ યાત્રા દરમ્યાન પણ કેટલાક નેતાઓ ગુજરાતી મિશ્રિત શબ્દો ઠપકરીને ભાષણ પૂર્ણ કર્યું હતું. હિન્દી ભાષા પર પકડની સમસ્યા માત્ર ભાજપ પૂરતી સીમિત નથી પરંતુ કોંગ્રેસમાં પણ જૂજ નેતાઓને બાદ કરતા ગ્રામીણ વિસ્તારના નેતાઓ હિન્દીમાં ભાષણ આપવાનું ટાળી રહ્યા છે. ભાજપ- કોંગ્રેસમાં અંગ્રેજી- હિન્દી પર પ્રભુત્વ ધરાવતા નેતાઓને જો પડદા પર સ્થાન મળી જાય તો વર્તમાન લાઇમ લાઇટમાં રહેતા નેતાઓને પોતાનું કદ ઘટી જવાનો ભય સતાવી રહ્યો છે..! સરવાળે, પડદા પર ચમકવાની લાહ્યમાં સતત ભાંગરા વાટી રહેલા બંને પક્ષના નેતાઓ હાલમાં પ્રજા વચ્ચે હાંસી પાત્ર બની રહ્યા છે.