હાર્દિક પટેલ, અલ્પેશ ઠાકોર અને જીગ્નેશ મેવાણી… કચ્છમાં કોનું કેટલું રાજકીય વજન ?
ભુજ : દિવાળીના સપરમાં દિવસોની ઉજવણી બાદ ગુજરાત ફરીથી ધીમે ધીમે રાજકીય ગતિવિધિઓનું કેન્દ્ર બની રહ્યું છે. આ વખતની વિધાનસભાની ચૂંટણીમાં કોઈ રાજકીય વિચારધારાની લહેર ચાલવાની નથી. કોઈ એક ઘટનાને પોલિટિકલ ટચ આપીને રાજકીય નફો રળી લેવું હવે અઘરું બન્યું છે. 2017 માં કોઈ “વેવ” ચાલે તેમ નથી તે બાબત રાજકીય પક્ષોએ સારી પેઠે નોંધી લીધી છે. 2012 ની તુલનાએ 2017 ના ચૂંટણી પ્રચારમાં ઘણો ફરક દેખાઈ રહ્યો છે. થ્રિડી સભાઓ, શોભાયાત્રાઓ અને ઉત્સવો પર ખર્ચમાં કરકસર જોવા મળે છે. કારણકે ગુજરાત જાન માનસને સામાજિક અંદોલનોએ બાનમાં લીધું છે તેથી આગામી વિધાનસભાનું ભવિષ્ય પણ સામાજિક આંદોલનો જ ઘડશે તેવું ચિત્ર હવે સ્પષ્ટ થતું જાય છે. કોંગ્રેસ અને ભાજપની ટોચની નેતાગીરી ગુજરાતના સામાજિક અંદોલનોના ત્રણ ચહેરા હાર્દિક પટેલ, અલ્પેશ ઠાકોર અને જીગ્નેશ મેવાણીને પોતાના પક્ષમાં સમાવવા એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. આ બાબતમાં ભાજપે પાસના નેતા રેશ્મા પટેલ અને વરુણ પટેલને પોતાના તરફ ખેંચીને મોટો ઘા માર્યો છે જયારે અલ્પેશ ઠાકોર કોંગ્રેસ તરફ છે તે સ્પષ્ટ થઇ ચૂક્યું છે, જયારે જીગ્નેશ મેવાણી વીશે કોડકું ગૂંચવાયેલું છે. પાસના મુખ્ય ચહેરા હાર્દિક પટેલ પણ પોતાનું વલણ સ્પષ્ટ નથી કર્યું.
નવા નિશાળિયા પરંતુ 2017 માં સતત ચમકતા રહેલા આ ત્રણેય યુવા ચહેરાઓના કારણે ભાજપ – કોંગ્રેસે પોતાના ઉમેદવારો પણ જાહેર નથી કર્યા. ગુજરાતભરમાં આ ત્રણેય યુવા સામાજિક નેતાઓનું કદ રાજકીય ક્ષેત્રે આપોઆપ વધી રહ્યું છે. ત્યારે કચ્છમાં જો સામાજિક દ્રષ્ટિએ જોઈએ તો ત્રણેય નેતાઓ રાજકીય નફા-નુકશાન માટે નિમિત્ત બની શકે છે. ત્રણેય નેતાઓના આંદોલનોની કચ્છ પર અસર નથી પડી, પરંતુ રાજકીય અસર પહોંચે તો હાર્દિક પટેલ ફેક્ટર કચ્છના અબડાસા ભુજ અને માંડવી વિધાનસભા બેઠક પર અસર પડી શકે છે. અબડાસા-ભુજમાં પાટીદારોની વસ્તી મોટી છે ત્યારે માંડવીમાં પણ નિર્ણાયક મતો છે. હાર્દિક પટેલનું રાજકીય વલણ ભુજ અને અબડાસા વિધાનસભા બેઠક પર સીધી અસર પહોંચાડી શકે છે. જયારે ઓબીસી નેતા અલ્પેશ ઠાકોરની વાત કરીએ તો રાપર વિધાનસભા બેઠક પર ઓબીસી સમાજનું વર્ચસ્વ છે. અંજાર બેઠક પર પણ ઓબીસીનું પ્રભુત્વ છે. આમ અલ્પેશ ઠાકોર સહીત ઓબીસી વર્ગનો ઝુકાવ રાપર અને અંજાર બેઠક પર નિર્ણાયક બની શકે છે. બીજી તરફ દલિત સમાજના નેતા જીગ્નેશ મેવાણી ઉનાકાંડ બાદ ઉભરેલા યુવા નેતા છે. દલિતો પર થતા અત્યાચાર વિરુદ્ધ લોક જુવાળ ઉભો કરવામાં તેઓ સફળ રહ્યા છે. ચૂંટણી પૂર્વે તેઓ પોતાનું વલણ સ્પષ્ટ કરે તો ગાંધીધામ વિધાનસભા બેઠક પર તેની વ્યાપક અસર વર્તાય તેમજ માંડવી વિધાનસભા બેઠક પર પણ દલિત મતદારો નિર્ણાયક છે અને ભુજ વિધાનસભા બેઠક પર લઘુમતી ઉપરાંત દલિત સમાજના મતદારો પણ હાર-જીત માટે મહત્વની ભૂમિકા ભજવી શકે છે. આમ હાર્દિક, અલ્પેશ અને જીગ્નેશ ત્રણેયના આંદોલનોની અસર કચ્છ પર નહિવત પ્રમાણમાં દેખાઈ, હવે રાજકીય અસર કેટલા પ્રમાણમાં દેખાય છે એ તરફ સૌની નજર મંડાઈ છે.