ભુજનો ગાંડો વિકાસ ભટકીને કહેવાતા ટ્વીનસીટી માધાપર પહોંચ્યો?

459

ભુજ : વિકાસ ગાંડો થયો છે એ વાક્યથી સત્તાપક્ષના નેતાઓ ચિડાય છે પરંતુ જયારે લોકોને સમસ્યાઓ સતાવે છે ત્યારે પોતાની પીડા વ્યક્ત કરવા આ વાક્ય અનિચ્છાએ પણ બોલી ઉઠે છે. વિકાસના ગાંડપણ વાળું વાક્ય ભલે કોઈ કોંગ્રેસની ઉપજ હોય પરંતુ હવે તંત્રની નિષ્ફળતા જોઈ દરેક વ્યક્તિ આ વાક્ય બોલી જાય છે. ભુજ નજીકના કહેવાતા ટ્વીનસીટી માધાપર જૂનાવાસમાં હોટેલ ડોલ્ફિનની સામે પુલીયા નીચે ગટરના પાણીએ તળાવનું સ્વરૂપ ધારણ કર્યું છે. આ પુલની ઉત્તર બાજુએ નીચેથી નર્મદાની પાઇપ લાઈન પસાર થાય છે જેનાથી ભુજવાસીઓને પીવાનું પાણી મળે છે. પરંતુ ગટર લીકેજના કારણે ગંદુ પાણી નર્મદાની પાઇપલાઈન ઉપરથી વહી રહ્યું છે. નર્મદાની પાઇપ લાઈનમાં પણ લીકેજ હોવાની જાણ થતા ભુજ નગરપાલિકાની ટીમે દોડાદોડી શરુ કરી છે. પરંતુ છેલ્લા ચાર દિવસની મથામણ બાદ પણ પાઇપ લાઇનનું લીકેજ ગેસ વેલ્ડિંગથી રિપેર કરવામાં ભુજ નગરપાલિકાની ટિમ નિષ્ફળ રહી છે.

પુલીયા પરથી આવતા જતા લોકો આ દ્રશ્ય જોતા બોલી ઉઠે છે “ટ્વીનસીટીનો વિકાસ ગાંડો થયો છે” નર્મદાની પાઇપ લાઈનમાં લીકેજ સ્પષ્ટ રીતે દેખાય છે અને તે લીકેજ ઉપરથી વહેતા ગટરના પાણીના લીધે નર્મદા પાઇપ લાઈનમાં ચાર દિવસથી ગટરનું પાણી ભળી રહ્યું હોવાની પ્રબળ શક્યતા છે. ભુજ નગરપાલિકાની ચાર દિવસથી લીકેજ મરંમત કરવા મથામણ કરી રહી છે પરંતુ નર્મદાની લાઈન ઉપરથી વહેતા ગટરના પાણીને પ્રથમ રોકવાની તસ્દી નથી લેવાઈ પરિણામે ગટરનું પાણી ગાંડીતુર નદી માફક વહી રહ્યું છે અને મરંમત કરનાર  ટીમની મહેનત પણ એળે જઈ રહી છે. આજે સવારના સમયે લાવ લશ્કર સાથે આવેલી નગરપાલિકાની ટિમને જોઈને અહીંથી પસાર થતા લોકોએ ટોણો માર્યો હતો “ભુજનો ગાંડો વિકાસ ભટકીને માધાપર પહોંચ્યો કે શું ? આ ગાંડો વિકાસ માધાપરને ટ્વીનસીટી બનવા નહીં દે..!

Get real time updates directly on you device, subscribe now.