હું છું ભુજનો વિકાસ..! ધારાસભ્ય ડો.નીમાબેનની વિકાસગાથામાં દક્ષિણ ભારતની ઇમારતનો ફોટો ધાબડી દેવાયો..!
ભુજ : હું છું ગુજરાત… હું છું કચ્છ… હું છું ભુજનો વિકાસ… વગેરે જેવા આકર્ષક સૂત્રો સત્તાપક્ષ ભાજપે ભીંતો પાર લખીને લોકોને આકર્ષવાનો પ્રયાસ કર્યો છે. વિકાસ ગૌરવ યાત્રાનું સમાપન ભાજપ દ્વારા કચ્છમાં કરવામાં આવ્યું જેના અનુસંધાને ભુજમાં કાર્યક્રમમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી અને ભાજપના કેન્દ્રીય નેતાઓની હાજરીમાં ભુજના ધારાસભ્ય ડો.નીમાબેન આચાર્યએ ભુજની વિકાસગાથા વર્ણવતી પુસ્તિકાનું વિમોચન કર્યું હતું આ પુસ્તિકાને 5 વર્ષ પ્રગતિશીલ ભુજ નામ આપવામાં આવ્યું છે. ડો.નીમાબેન આચાર્યએ પોતાના મત વિસ્તારમાં કરેલા વિકાસ કાર્યોની ગાથા વર્ણવતી આ પુસ્તિકામાં રંગબેરંગી ફોટા અને આંકડાઓની ભરમાર છે.
પુસ્તિકાના પાના નંબર 9 પર માર્ગ અને મકાન વિભાગ (પંચાયત)ની બિલ્ડીંગો ના નિર્માણની માહિતીમાં ૪.૯૮ કરોડ રૂપિયા ખર્ચાયા હોવાનો દાવો કરાયો છે. નવા ગ્રામ પંચાયત ઘરો, આંગણવાડીઓ અને લાયબ્રેરીઓ ટ્રેનિંગ સેન્ટર વગેરેના નિર્માણની આંકડાકીય માહિતી અપાઈ છે. પરંતુ આવી નિર્માણ પામેલી કચ્છની કોઈ ઇમારતના બદલે દક્ષિણ ભારતના કોઈ રાજ્યની સરકારી ઈમારતનો ફોટો ધાબડી દેવાયો છે..! આ વિકાસ ગાથાના ફોટામાં ઇમારતની ઉપર લાગેલા પીળા કલરના બોર્ડમાં ભાષાની લિપિ દક્ષિણ ભારતના કોઈ રાજ્યની જણાઈ રહી છે. આમ ભુજના વિકાસ કાર્યો ભુજની પ્રજા સમક્ષ રજુ કરવા ધારાસભ્યને દક્ષિણ ભારતની ઇમારતના ફોટાનો ઉપયોગ શા માટે કરવો પડ્યો તે મુદ્દે આમ પ્રજામાં તર્ક વિતર્ક ફેલાયા છે.