ભુજના લઘુમતી આગેવાને કોંગ્રેસ છોડતા નવા જુનીના એંધાણ
ભુજ : વિધાનસભા ચૂંટણી માથે આવી ચઢી છે તેવા સમયે ભુજના લઘુમતી અગ્રણી અને ભુજ નગરપાલિકાના પૂર્વ કાઉન્સિલર હમિદ ભટ્ટીએ રાજીનામુ ધરી દેતા ખળભળાટ મચી જવા પામ્યો છે. ભુજ શહેરમાં સારું એવું વર્ચસ્વ ધરાવતા હમિદ ભટ્ટીએ એકા – એક રાજીનામુ ધરી દઈને કોંગ્રેસને આંચકો આપ્યો છે. તો બીજી તરફ આગામી સમયમાં કોંગ્રેસી આગેવાનો દ્વારા રીસામણા – મનામણાંના આ દોરમાં નવો રાજકીય વણાંક આવવાની શક્યતાઓ પણ જાણકારો દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે.
કોંગ્રેસના સૂત્રો પૂર્વ કાઉન્સિલર હમિદ ભટ્ટીની કોંગ્રેસ છોડવાની વાતને સમર્થન આપી રહ્યા છે. સપ્ટેમ્બર મહિનામાં જ હમિદ ભટ્ટીએ રાજીનામુ ધરી દીધું હતું પરંતુ કોઈ કારણોસર કોંગ્રેસી આગેવાનો એ વાતનો ફોડ પડી રહ્યા ન હતા. જોકે હવે તેમના રાજીનામાની વાત છુપી ન રહેતા આગામી સમયમાં ભુજમાં નવા રાજકીય કડાકા-ભડાકા થવાની શક્યતા જોવામાં આવી રહી છે. અત્રે નોંધનીય છે કે 2012 માં વિધાનસભા ચૂંટણી સમયે પણ ટિકિટ ફાળવણી મુદ્દે અપક્ષમાં ઝંપલાવવાની તૈયારી કરી પોતાની નારાજગી જાહેર કરી હતી. પરંતુ પક્ષના મોવડી મંડળે તેમને સમજાવવામાં સફળતા મેળવી હતી. કોંગ્રેસી આગેવાનોમાં અસંતોષને ખાળવા કોંગ્રેસે વેળાસર કમર કસી છે ત્યારે ભુજમાં રાજકીય વર્ચસ્વ ધરાવતા પૂર્વ કાઉન્સિલરને કોંગ્રેસમાં ફરી સમાવી લેવા પ્રયાસો હાથ ધરાશે કે પછી તેમની નારાજગી નવાજુની સર્જશે એ મુદ્દે ભુજમાં ચર્ચા જાગી છે.