આતંકવાદને ચોરી ચકારીનો કેસ સમજવાનું બંધ કરો
અમદાવાદ : is ના બે પકડાયેલા એજન્ટ મુદ્દે સીએમ વિજય રૂપાણી અને અહમદ પટેલ વચ્ચે થયેલા આપેક્ષા અને ખુલાસાને આડેહાથ લેતા શંકરસિંહ વાઘેલાના જન વિકલ્પ મોરચાએ બંને નેતાના નામ લીધા વિના આકરા પ્રહાર કર્યા છે. જનવિકલ્પ પાર્ટીના પ્રદેશ પ્રમુખ વિનોદ નાયક એ જણવ્યું હતું કે ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષોએ આતંકવાદ જેવા ગંભીર વિષયને મજાકનું સાધન બનાવી દીધું છે. આતંકવાદ દેશની સુરક્ષા સાથે જોડાયેલી બાબત છે. આતંકવાદ મામલે કોઈની સાથે કોઈ પણ પ્રકારનું સમાધાન કે બાંધ છોડ હોઈ શકે નહિ. બે પકડાયેલા શંકાસ્પદ આતંકીઓ કોઈ એક પક્ષના નેતાની હોસ્પિટલ સાથે સંકળાયેલા અને આ નેતાનું આતંકી કનેકશન હોવાની જાહેરાત જયારે મુખ્યમંત્રી કક્ષાએથી થાય ત્યારે તેની ગંભીરતા વધી જાય છે. જે તે નેતાનું આતંકી કનેકશન છે કે કેમ તે એક તપાસનો વિષય છે.
આ પ્રકારના આક્ષેપ અને પ્રતિ આક્ષેપ કરીને ભાજપ અને કોંગ્રેસ શાંત ગુજરાતમાં અશાંતિના વમળો પેદા કરી ગુજરાતને આતંકવાદના નામે અશાંતિની આગમાં ધકેલવા માંગતા હોય તેવું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ રહ્યું છે. ત્યારે ભાજપ સરકાર પાસે પુરાવા હોય તો તેમાં ઊંડી તાપસ કરે પણ ચૂંટણીના સમયે માત્ર રાજકીય આક્ષેપો કરવા અને તે પણ આતંકવાદ જેવા ગંભીર મામલે આક્ષેપો કરી ગુજરાતની શાંતિ-ભાઈચારા સાથે ચેડાં ન કરાય. કોઈ સંડોવાયેલા હોય કે ન હોય તે તપાસ એજન્સી નો વિષય છે. જનવિકલ્પ પાર્ટી આ આખા પ્રકરણની તાપસ હાઈ કોર્ટ કે સુપ્રીમકોર્ટના જજોની સીધી દેખરેખમાં થાય તેવી માંગણી કરે છે. ભાજપ અને કોંગ્રેસ આતંકવાદ જેવા ગંભીર વિષયને ચોરી-ચકારી જેવા સામાન્ય ગુનાની જેમ માનતા હોય તેમ ગુજરાતની પ્રજાને લાગી રહ્યું છે. જનવિકલ્પ પાર્ટી ભાજપ અને કોંગ્રેસ બંને પાર્ટીને ચેતવણી આપે છે કે આતંકવાદના નામે રાજકીય રમત બંધ કરે અને લોકશાહી ઢબે ચૂંટણી લડવા તૈયાર થાય તેવું પ્રદેશ પ્રમુખની યાદીમાં જણાવ્યું હતું.