એસીબીને ખાણ-ખનીજ ક્ષેત્રે કરોડોનું કરપ્શન ન દેખાયું, દિવાળીની ગિફ્ટ દેખાઈ : ખાણ ખનીજ ખાતું દિવસભર બાનમાં
ડો.રમેશ ગરવા – ભુજ : જિલ્લા કલેક્ટર કચેરીના તાબામાં આવેલી ખાણ ખનીજ કચેરીમાં અધિકારીઓ દ્વારા ખાણ માલિકો પાસે દિવાળીની ગિફ્ટના બહાને રોકડ રૂપિયા અને સોનુ-ચાંદી વગેરે ઉઘરાવાતું હોવાની માહિતી એન્ટી કરપ્શન બ્યુરોને મળતા આજે બપોરથી એસીબીની ટુકડીએ જિલ્લા કલેક્ટર કચેરીએ ધસી જઈ સર્ચ ઓપરેસન હાથ ધર્યું હતું જોકે બપોરના એક વાગ્યાથી રાત્રીના નવ વાગ્યા સુધી એસીબીએ કરેલા સર્ચ ઓપરેસનમાં કોડી પણ ન નીકળતા ખુદ એસીબીની કાર્યવાહી સવાલોના ઘેરામાં આવી ગઈ છે.
સુત્રોમાંથી મળતી માહિતી મુજબ આજે એસીબીએ કલેક્ટર કચેરીમાં ખાણ ખનીજ વિભાગમાં દિવાળીની ગિફ્ટના નામે કથિત ભ્રષ્ટાચારના પર્દાફાશ માટે આશરે નવ કલાક સર્ચ ઓપરેસન હાથ ધર્યું પરંતુ ભ્રષ્ટાચારના પુરાવા રૂપે એસીબીને કોડી પણ હાથ ન લાગતા દિવસભર ખાણ ખનીજ કચેરી કચેરીમાં અરજદારોને પરેશાની વેઠવી પડી હતી. સૂત્રોમાં ચર્ચા એવી છેડાઈ છે કે કચ્છમાં ખાણ ખનીજ ક્ષેત્રે કાર્યરત એક નામાંકિત ઉદ્યોગના અધિકારી ખાણ ખનીજ વિભાગમાં દેખાતા એસીબીને મળેલી કથિત ભ્રષ્ટાચારની માહિતીની તાપસ કરવા એસીબીની ટીમે બપોરથી રાત સુધી કલેક્ટર કચેરીને બાનમાં લીધી હતી. રાત્રીના 9 વાગ્યા સુધી એસીબી તરફથી આ સર્ચ ઓપરેસન અંગે કોઈ સત્તાવાર નિવેદન આપયું નથી પરંતુ તાપસ દરમ્યાન ખાણ ખનીજ વિભાગમાંથી કશુ વાંધાજનક મળ્યું ના હોવાનું સુત્રોમાંથી જાણવા મળી રહ્યું છે. સર્ચ ઓપરેસનના નામે આજે દિવસભર ખાણ ખનીજ કચેરી એસીબીની બાનમાં રહેતા અરજદારોમાં કચવાટ ફેલાયો હતો. કેટલાક અરજદારો તો એવો બળાપો પણ ઠાલવી રહ્યા હતા કે ખાણ ખનીજ વિભાગમાં કરોડોના કૌભાંડની અનેક ફરિયાદો થઇ છે, છતાં એસીબીએ ક્યારેય આવડું મોટું સર્ચ ઓપરેસન હાથ નથી ધર્યું પરંતુ દિવાળીની ગિફ્ટ જેવી બાબતને લઈને કરાયેલા સર્ચ ઓપરેસનથી સરવાળે અરજદારો જ પરેશાન બન્યા.
સીસીટીવી ફૂટેજ ચેક થશે ?
જાણકારોમાં થતી ચર્ચા મુજબ ખાણ ખનીજ વિભાગમાં થતા ભ્રષ્ટાચારને અટકાવવો જ હોય તો ખાણ ખનીજ તંત્રના અધિકારીઓ અને કર્મચારીઓના ઘરની તપાસ કરવી જોઈએ. આવક કરતા બમણી સંપત્તિની તપાસ ગમે ત્યારે થઇ શકે છે. એટલું જ નહિ સીસીટીવી ફૂટેજ ચેક કરીને આવતા-જતા લોકોની તપાસ પણ થઇ શકે છે. આજે થયેલા સર્ચ ઓપરેસન અંતર્ગત સીસીટીવી ફૂટેજ ચેક કરવામાં આવ્યા હશે તો દિવસભર ખાણ ખનીજ વિભાગમાં દિવાળીની ગીફ્ટોના બહાને ક્યા રાજકીય માણસો અને ક્યા ઉદ્યોગના માણસોએ આવજા કરી તેની પોલ પણ ખુલી શકે છે. પરંતુ એસીબી એ દિશામાં તપાસ કરશે કે કેમ તે પણ એક પ્રશ્ન છે.